દરેક વાલીએ વાંચવા જેવી અને અપનાવવા જેવી કેટલીક ટિપ્સ
દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે પોતાનું બાળક સૌથી શ્રેષ્ઠ હોય. પણ શું એ માટે આપણી ઈચ્છાને બાળક પર થોપવી યોગ્ય છે? આપણને ગમતું કામ બાળક કરે એવી અપેક્ષા રાખવા કરતા બાળકને ગમતું કામ કરવા દેવું વધારે યોગ્ય છે.
અહીંયા અમુક ટિપ્સ આપેલી છે જેને ધ્યાનથી વાંચજો અને એની નોંધ પણ લેજો…
- વધુ અપેક્ષા ન રાખો:
તમારું બાળક દરેક ક્ષેત્રમાં ઓલ રાઉન્ડર હોવું જ જોઈએ એવી અપેક્ષા ન રાખો. એના કરતા બાળકનું કામ જે બાબતમાં શ્રેષ્ઠ હોય એ ક્ષેત્રમાં બાળક આગળ વધે અને એમાં જ ઓલ રાઉન્ડર બને એ વધારે યોગ્ય છે. સ્કુલમાં થતી દરેક કોમ્પીટીશનમાં બાળકે ભાગ લેવો જ જોઈએ એવો આગ્રહ ન રાખો પણ જેમાં એ પોતાનું બેસ્ટ આપી શકે એમાં એને ભાગ લેવા ચોક્કસથી લેવા દો.
- હંમેશા બીજા બાળકના વખાણ ન કરો:
તમારા બાળકની તુલના બીજા બાળક સાથે ક્યારેય ન કરો. આવું કરવાથી બાળકમાં લઘુતાગ્રંથિની ભાવના જન્મે છે. દરેક બાળકની અલગ અલગ ખાસિયત હોય છે જે સમજીને, આપણે તેના માટે પ્રોત્સાહન પૂરું પાડીએ.
- લાલચ ન આપો:
બાળકને ક્યારેય લાલચ ન આપો. કે તું તારું હોમવર્ક પૂરું કરીશ તો તને મોબાઈલ આપીશ. એના કરતા એના કામના વખાણ કરી એના કામને બિરદાવો. નહિ તો બાળકને કંઈપણ કામ કરાવવા માટે કોઈ વસ્તુની લાલચ આપવી જ પડશે.
- પૈસાનું મૂલ્ય સમજાવો:
આજનાં સમયના બાળકો પૈસાનું મૂલ્ય સમજતા નથી. બિનજરૂરી વસ્તુઓ ખરીદી પૈસાનો બગાડ ન કરવો તેવું સમજાવો. મોંઘી વસ્તુઓ લઈ આપવાના બદલે ઓછા ખર્ચે સારી વસ્તુઓ કેમ લેવાય એ શીખવો.
- ફક્ત પુસ્તકિયા જ્ઞાનને મહત્વ ન આપો :
હાલના સમય પ્રમાણે પુસ્તકમાં રહેલા જ્ઞાન સાથે વ્યવહારિક જ્ઞાન હોવું પણ ખુબજ જરૂરી છે. માત્ર ડિગ્રી મળી જવાથી જીવનમાં સફળતા મળશે જ એવું જરૂરી નથી. ધીરુભાઈ અંબાણી પાસે કોઈ એટલી મોટી ડિગ્રી ન હતી છતાં એમની મહેનત અને વ્યવહારિક જ્ઞાનના લીધે તેમનું નામ આજે ઉદ્યોગ જગતમાં માન સાથે લેવાય છે.
- દરેક જીદ્દ પૂરી ન કરો:
દરેક માતાપિતા ઈચ્છે છે કે એમના બાળકની દરેક ઈચ્છા પૂરી થાય એટલે બાળકની દરેક જીદ પૂરી કરતા હોય છે, પણ બાળકની દરેક જીદ પૂરી કરતા પહેલાં એ જીદ્દ ઉપયોગી વસ્તુ માટે છે કે બિનઉપયોગી એ જાણી પછી જ એમની જીદ્દ પૂરી કરો. વધુ પડતા લાડ બાળકને જિદ્દી બનાવે છે.